શતાબ્દી વંદના : મણિભાઈ સંઘવી

આદરણીય/પ્રિય સ્વજન,

    સાદર/સપ્રેમ જયજગત…

    આ પત્ર ખાસ ઉદ્દેશથી લખી રહયા છીએ…

       ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાના સ્થાપક તેમજ કચ્છ અને ગુજરાતની ઘણી બધી જાહેર પ્રવૃત્તિ સાથે સ્વયં સ્ફૂરણા અને વ્યાપક માનવધર્મની દ્રષ્ટિએ પ્રવૃત્ત રહેલા સ્વ. શ્રી મણિભાઈ સંઘવીનું ઈ.સ.૨૦૨૦નું વર્ષ જન્મ શતાબ્દી વર્ષ છે એ નિમિત્તે તેમની સ્મૃતિવંદનાનો કાર્યક્રમ ઉજવવા માટેની વિચારણા ચાલી રહી છે. એમનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૯૨૦ના થયો હતો. (૧૯૨૦ થી ૨૦૦૮)

           મણિભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ અને વિભિન્ન આયામો હતા. એક બાજુ સાદું શ્રમયુક્ત ગાંધી-વિનોબા-જયપ્રકાશની ત્રિપુટીથી પ્રેરિત બિનરાજકીય જાહેર જીવન, ખેતી-ગોપાલન અને ખાદી પ્રવૃત્તિમાં ગળાડૂબ તો બીજી બાજુ સર્વોદય-ભૂદાન-ગ્રામદાનના યાત્રિક. સ્વના જીવનમાં વ્રતો-સંકલ્પો અને આગ્રહો પણ બીજા માટે નિરાગ્રહી, આડંબર અને દેખાડાથી દૂર, સંકુચિત અને સાંપ્રદાયિક ધર્મમાંથી મુક્તિ સાથે વ્યાપક માનવધર્મના ધોરી રસ્તે યાત્રા. કચ્છના ખાદી-ગ્રામોદ્યોગ તેમજ રચનાત્મક કાર્યક્ષેત્રે તેમની અગ્રણી ભૂમિકા રહી. કચ્છ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંઘ તેમજ કચ્છની સઘળી ખાદીક્ષેત્રે પ્રવૃત્ત સંસ્થાઓની સ્થાપના તેમજ સંચાલનની ભૂમિકા તેમણે ભજવી. સ્વ. મગનભાઈ સોની સાથે મળીને સરદાર છાત્રાલય (વલ્લભપુર) અને સ્ટેમ્પ કલેકટીંગ કલબના મણિભાઈ સહિતના મિત્રોએ એ કલબને કિશોર મિત્રમંડળમાં પરિવર્તિત કરી ને આખરે ભીમાણી ખાદી ગ્રામોદ્યોગ સંઘ(માંડવી)ની સ્થાપના કરી અને પછી તેમણે ગ્રામ સ્વરાજ સંઘ(નીલપર)ની સ્થાપના કરી. કચ્છ જિલ્લા રચનાત્મક સમિતિ અને ગુજરાત સર્વોદય મંડળમાં પણ તેમની સક્રિયતા અને ભૂમિકા  મહત્વનાં હતાં.

            આવાં જાતજાતનાં અને ભાતભાતનાં ફૂલોથી મહેકતું જીવન તેઓ જીવી ગયા. આવા જીવનની પ્રેરક વાતો, પ્રસંગો અને દ્રષ્ટાંતો શબ્દબદ્ધ થાય તો સમાજ માટે ઉપયોગી ભાથું બની શકે.

 

           મનનો ભાવ એવો છે કે આપના ભાવજગત અને મનોજગતના કોઈ અંશે શ્રી મણિભાઈનો સંસ્પર્શ અનુભવ્યો હોય તો એવો ભાવ પ્રગટ કરવા આપને આગ્રહભરી વિનંતી. મણિભાઈ સાથેનાં સંસ્મરણો તેમના જીવનમાંથી પ્રેરણા લેનાર માટે અમૂલ્ય ભાથું બની રહેશે, સ્મરણિકા માટે તા.૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં આપનો સંસ્મરણ લેખ મળી રહે તેવી અપેક્ષા છે.

                    સ્વસ્થ-પ્રસન્ન હશો.      દિવાળી અને નવાવર્ષની શુભકામનાઓ…

                                                      સ્નેહાદર સહ,

 

મુકતા-નકુલ ભાવસાર                       રમેશ સંઘવી                       દિનેશ સંઘવી

સંસ્થા દ્વારા જન્મ શતાબ્દી નિમિત્તે યોજાનારા કાર્યક્રમો.

૧. વ્યાખ્યાન માળા

૨. ભૂત પૂર્વ વિદ્યાર્થી કાર્યકર મહા સંમેલન

૩. સ્મરણિકા પ્રકાશન

૪. સ્મૃતિ વંદના કાર્યક્રમ

૫. પ્રાર્થના ભૂમિ પર ચોતરાનું નિર્માણ

૬. પૂર્વ ૧૦૦ વિદ્યાર્થીઓ દ્વારા વાગડના જુદા જુદા વિસ્તારમાં ૧૦૦ વૃક્ષોનું વાવેતર

૭. દર માસે ગ્રામ સફાઈ, રસ્તા સફાઈના કાર્યક્રમો.

* શક્ય બને તે કાર્યક્રમોમાં સહભાગી થવા ઈજન છે.