Read in English

ગ્રામ સ્વરાજ સંઘ-નીલપરના સંસ્થાપક મણિભાઈ સંઘવી : અદના ગાંધીજન

જીવનનો પ્રથમ પડાવ :

           નવ વર્ષની ઉંમરે ગુરુવર્ય નાનાલાલ વોરાની ખાનગી શાળામાં (માંડવી-કચ્છ) પહેલી ચોપડીમાં દાખલ થયા. અહીં બે વર્ષમાં છઠ્ઠા ધોરણ સુધીનું શિક્ષણ અને પાયાના સંસ્કાર મેળવીને ત્રીજા વર્ષે અહીંની જ જી.ટી.હાઈસ્કૂલમાં સાતમાં ધોરણમાં એટલે કે અંગ્રેજી બીજા ધોરણમાં પ્રવેશ મેળવ્યો. સાધુચરિત માવજીભાઈ વેદના સત્સંગ અને પુણ્ય પ્રતાપે અલ્લડ કિશોરમાંથી સામાજિક નિસ્બત ધરાવતા યુવકમાં બદલાવની સાથે પરંપરાગત જૈન ધર્મની રૂઢિચુસ્તતા અને કટ્ટરતાનું સ્થાન વ્યાપક માનવધર્મે લીધું.

બીજો પડાવ:

          મુગ્ધ કિશોર અવસ્થામાં મડદામાં પણ પ્રાણ ફૂંકતા ગાંધીજીના રચનાત્મક-પ્રાણવાન અને ચેતનવંતા મક્કમ વિચારો અને અણીશુદ્ધ આચારોના પ્રભાવે જન્મેલ કિશોર મિત્ર મંડળ અને તેમાંથી ભીમાણી ખાદી ગ્રામોદ્યોગ સંઘ, કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘ, કચ્છ રચનાત્મક મંડળ જેવી સંસ્થાઓની સ્થાપના દ્વારા ખાદી અને ગ્રામોદ્યોગની પ્રવૃત્તિઓને વિકસાવવા પાયારૂપ અને ચાવીરૂપ ભૂમિકા ભજવી.

ત્રીજો પડાવ :

          પુખ્ત વયમાં પહોંચતા વિનોબાજીના ‘ભૂદાનયજ્ઞે’ મણિભાઈ ના મન-વચન-કર્મ એમ તમામ અસ્તિત્વનો કબજો લઈ લીધો અને પૂરી શક્તિ અને ભક્તિથી 1951 થી 1975 સુધી પૂરાં પચ્ચીસ વર્ષ ભૂદાન-ગ્રામદાન-સંપત્તિદાન-સાધનદાન-સર્વોદય પાત્ર, સુતાંજલિ યજ્ઞના કચ્છમાં યાજ્ઞિક તરીકેનાં ધર્મ-કર્મની જવાબદારી પૂરી શક્તિ અને મતિથી વહન કરી.

ચોથો પડાવ :

           ઢળતી ઉંમરે ગામડાના ખેડૂતના ઉદ્યમી-શ્રમયોગી-સાદા જીવનની ધૂન સવાર થઈ. કચ્છના વાગડ પ્રદેશમાં ખેતી સાથે આજુબાજુમાં ચાલતી સામાજિક અને નૈમિત્તિક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહયા.

પાંચમો પડાવ :

          1978માં વળી એક નવા સાહસમાં ઝંપલાવ્યું. ‘સર્વાંગિણ ગ્રામ વિકાસ’ના ખ્યાલ અને સમજ સાથે 57 વર્ષની ઉંમરે ‘ગ્રામ સ્વરાજ સંઘ’ સંસ્થાની સ્થાપના દ્વારા શિક્ષણ-લોકશિક્ષણ અને લોકશક્તિ નિર્માણ માટે મંથન અને અથાક પ્રયત્નો કર્યા. જે સંસ્થા આજે પણ તેમણે ઉપાડેલું કામ ધર્મકાર્ય સમજીને કરી રહી છે.

          88 વર્ષની જૈફ ઉંમરે તા.6-10-2008ના દિવસે એમણે પોતાના નિવાસ સ્થાને અત્યંત શાંત અને સ્વસ્થતાપૂર્વક દેહત્યાગ કર્યો. અને આમ વાગડ(કચ્છ)માં આવેલી મહાભારત કાળની વિરાટનગરી (આજનું ગેડી ગામ)માં સર્જન પામેલો આત્મા તેમના જીવનનાં પાંચમા અને છેલ્લા પડાવે વાગડ (કચ્છ)ની ભૂમિમાં જ વિરામ પામ્યો.

Birth Century

Post Cover