Relief Work

નામ: જયપ્રકાશ આવાસ યોજના
ઉદેશ : કચ્છમાં કુદરતે ભૂકંપ દ્વારા પોતાનું ખપ્પર ભર્યું ત્યારે સેંકડો લોકોના જીવ ગયા અને હજારો મકાનો ધરાશાયી થઈ ગયેલાં.  આ રૌદ્ર સ્વરૂપના ભોગ બનેલા લોકોમાંથી સરકારે એમને જ મકાન બાંધકામ માટે સહાય આપી કે જેઓના ખાતે ઘર હતાં, કે ઘરના આધારો હતાં. આ સમય દરમ્યાન સર્વે કરતા ખ્યાલ આવ્યો કે કચ્છના અંતરીયાળ અને અવિકસિત એવા વાગડ વિસ્તારના અતિ પછાત અને તમામ પ્રકારના લાભોથી વંચિત એવા પારકરા કોલીઓ ૧૨૦૦ જેટલા પરિવારો કે હજુએ જેઓ ગામડાંઓ કે વાંઢીયાઓથી દૂર એવા દુર્ગમ વિસ્તારમાં ઘાસના કાચા ભુંગા બનાવીને રહે છે. તેમને કોઈ પ્રકારની સહાય મળી નથી તેથી તેમને પોતીકું પાકું ઘર મળે અને તે દ્વારા

તેમનો વિશ્વાસ મેળવી બીજી અનેકવિધ પેવૃત્તિઓ દ્વારા તેમનો સર્વાંગી વિકાસ સાધવા આ યોજના હાથ પર લીધી અને તે દ્વારા ઉલ્લેખનીય કામ થયું.

સહયોગ : એચ. ડી. એફ. સી. મુંબઈ
મારફત : કચ્છનવનિર્માણ અભિયાન – ભુજ                                  
યોજનાનું સ્વરૂપ : પારકરા કોળી, દેવીપૂજક તથા ભીલ પરિવારો માટે ભૂકંપ પ્રતિરોધક આવાસ યોજના.
મકાન : ૧૩૦૦ મકાન જેમાં ૧૨૮૮ નવું બાંધકામ તથા ૧૨ આવાસોમાં આગળની છાપરીનું બાંધકામ.

કાર્ય તબક્કા : ૪ તબક્કામાં (૧) ૪૩૪   (૨) ૩૭૮     (૩) ૩૮૮    (૪) ૧૦૦ મકાનોનું બાંધકામ થયું.  
કુલ ૧૩૦૦ મકાનગામ : (૧) ૧૨ ગામ – ૨૮ વાંઢ     (૨) ૧૪ ગામ – ૧૬ વાંઢ   (૩) ૧૬ ગામ – ૧૭ વાંઢ    (૪) ૪ ગામ – ૫ વાંઢ     કુલ ૪૬ ગામ – ૬૬ વાંઢ
મળેલા અનુદાન : રૂા. ૪,૩૪,૫૩,૫૦૦ – ૦૦
લોક ભાગીદારી : રૂા.  ૩૯,૦૦,૦૦૦ – ૦૦
થયેલ ખર્ચ : રૂા. ૪,૩૪,૬૨,૯૭૪ – ૨૫

રાહત પ્રવૃત્તિઓ દુષ્કાળ નિવારણ કાર્યક્રમ

નામ : દુષ્કાળ નિવારણ કાર્યક્રમ

૧૯૭૯માં મચ્છુ હોનારત વખતે રાપર-ભચાઉ તાલુકાના ૫૬ ગામોમાં ૩૯૬ મકાનો બનાવડાવી સંસ્થાએ આ પરિવારો પર છત્ર ધર્યું.

 હજી તો નિરાંતનો શ્વાસ લે ન લે ને ત્યાં તો ઉપરા ઉપર(વર્ષ- ૧૯૮૬-૮૭, ૯૩-૯૪, ૯૫-૯૬ના) દુષ્કાળો આવ્યા, પશુઓ અશક્ત થઈ ટપોટપ મરવા માંડયા… ફરી અપીલ, ફરી વણથાક્યા કામની શરૂઆત થઈ. પરિણામે ૧૭૫ પશુઓને ૯૦ દિવસ રોજ લીલાચારાથી ધરવ્યા. ૧૨૫૦ બળદોને સાત માસ સુધી વિશેષરૂપે દરરોજ એક-એક કિલો ખાણ-દાણ આપી ટકાવી રાખ્યા. તે ઉપરાંત ચાર ગામની ૨૭૬ ગાયો અને ૨૮ બળદોને પણ જીવનદાન આપ્યું. સાથોસાથ આવા કારમા દુષ્કાળોમાંથી પાર ઉતારવા ખેડૂતોના કૂવાઓને ઊંડા કરાવવાની કામગીરી હાથ ધરી ને ૫૯ ગામોના ૪૫૦ કૂવાઓને  રૂ.૮,૩૫,૦૦૦/- ખર્ચે સજીવન કરાવી તેમની વાડીઓમાં લીલો ચારો વવડાવી પશુઓને બચાવ્યા અને રોજગારીની તકો પણ પૂરી પાડી.

૬૦૦ પરિવારોને રેશનકાર્ડનો લાભ અપાવવામાં આવ્યો છે.

૯૦ વૃદ્ધોને પેન્શન, ૯૦ વિધવાઓને પેન્શન, ૨૦ વિકલાંગોને ઓળખકાર્ડ તથા ઇન્દિરા આવાસ યોજના તળે ૧૨૦ પરિવારોને મકાનો બનાવડાવી આપવામાં સંસ્થાના કાર્યકરોએ અહમ ભાગ ભજવ્યો છે.

 ૨૦૦ પરિવારોને મફત છાશ, બે સ્થળોએ બારેમાસ પાણીની પરબ, પક્ષીઓને નિત્ય ચણ, અશક્ત અને અસહાય પરિવારોને નિયમિતરૂપે અપાતી રાશનકીટ, અસાધ્ય રોગોથી પીડાતા દર્દીઓને સારવારમાં સહાય, જાહેર જગ્યાઓની સફાઈ, વરસાદ વખતે ઘાસથી છાજેલા ઝૂંપડાંઓ પર નાખવા તાડપત્રીઓનું વિતરણ, કૂતરાઓને બારેમાસ રોટલાઓ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓથી સંસ્થા સતત ધમધમતી   રહે છે.

રાહતપ્રવૃત્તિઓ

કુદરતી અને માનવસર્જિત આપત્તિ ટાણે અસરગ્રસ્તોને તાત્કાલિક અને અસરકારક રીતે રાહત પૂરી પાડવામાં આપણી આ સંસ્થા હંમેશા અવ્વલ રહી છે. પછી તે મચ્છુ હોનારત હોય, વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવાનો હોય, વિનાશક વાવાઝોડાની અસરો સામે ટક્કર ઝીલવાની  હોય, ભયાવહ ભૂકંપ હોય, તમિલનાડુમાં આવેલ ત્સુનામી, કાશ્મીરભૂકંપ, બિહાર પૂર હોનારત, નેપાળ ભૂકંપ હોય… એકાદ બે ઉદાહરણ લઈએ…. ઈ.સ.૧૯૯૮ના વિનાશક વાવાઝોડાએ કાળો કેર વર્તાવી મકાનો તથા ઝૂંપડાઓને ધરાશયી કરી દીધેલા, ઘરવિહોણા બની ગયેલાં લોકોને નાનકડું પણ પાકું મકાન બનાવી આપવા સંસ્થાએ સુલભ ગ્રામ આવાસ યોજના બનાવી. આ યોજના તળે રૂ.૯૯,૯૭,૨૦૦/-ના ખર્ચે ૭૩ ગામના ૧૦૯૮ પરિવારોને ઘરના ઘર બનાવી આપવામાં આવ્યા.

હાહાકાર મચાવેલા કચ્છ ભૂકંપ વખતે સંસ્થાએ કરેલી કામગીરીનું વર્ણન કરવા બેસીએ તો તો તેમાં કલાકો જાય. છતાં અતિ સંક્ષિપ્તમાં જણાવીએ તો ૧૪૪૯૬ પરિવારોને તુરત સેમી પરમેનન્ટ હાઉસ બનાવડાવી આપ્યા. હજારોની સંખ્યામાં ધાબળાઓનું વિતરણ કર્યું. ૨૫૦ સ્વયંસેવકોને માટે ત્રણ માસ સુધી વિનામૂલ્યે રસોડું ચલાવ્યું. સેંકડો લોકોને અંતરિયાળ વિસ્તારમાં જઈને રાશનકીટ પહોંચાડી, ચાર એમ્બ્યુલન્સ દ્વારા ૯૩ ગામોમાં જઈને લોકોને પ્રાથમિક સારવાર અને જરૂરી દવા આપવામાં આવી, ક્રાય સંસ્થાના સહયોગ થકી સેંકડો બાળકોને હૂંફભર્યો સધિયારો આપ્યો. ચાઈલ્ડ લાઈન સંસ્થા સાથે રહી બાળકોને રક્ષણ પૂરું પાડ્યું. જરૂરિયાતમંદ બહેનોને કપડાં સિવવાના સંચા આપ્યા, ૩૬ ગામની ૪૯ આંગણવાડીઓને વધુ સુસજ્જ બનાવડાવી સખીવૃંદ પ્રોજેક્ટ દ્વારા. ૨૨ ગામોમાં સખીવૃંદ કેન્દ્રો શરૂ કરાવી ૬૩૧ કિશોરીઓને શિક્ષણ, જીવન ઘડતર અને સામાજિક જાગૃતિ માટે કાર્યરત કરી. પારકરા કોલી સમુદાયના ૧૨૦૦ પરિવારોને ભૂકંપ અને વાવાઝોડા સામે રક્ષણ આપે તેવા પાકા મકાનો બનાવી આપ્યા. ૨૬ ગામોની ૩૬ વાંઢોમાં ૪૮ બાળમિત્રો દ્વારા ૧૦૪૯ બાળકોને શિક્ષણ આપવાનું કામ શરૂ કરાયું. હજી તો કંઈ કેટલું કહેવાનું બાકી રહી જાય છે..

અરે ! હા.. કોરોના કેમ ભુલાય ? કોરોના કાળમાં જ્યારે લોકડાઉન જાહેર કરાયું ત્યારે રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની ચિંતા કરવા માટે પણ સંસ્થા ખડેપગે ઊભી રહી. આસપાસની વાંઢોમાં  રહેતા અત્યંત જરૂરિયાતમંદ એવા ૧૨૦૦ પરિવારોને ૧૫ લાખના ખર્ચે રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત પણ જ્યારે જ્યારે જે જે પ્રકારે જરૂરિયાત ઊભી થતી ગઈ તે તે પ્રકારે ટૂંકાગાળાના તો કેટલાક લાંબા ગાળાના પ્રોજેક્ટ હાથ પર લઈને સમાજોપયોગી કાર્યો સંસ્થા દ્વારા થતા રહ્યા છે.