સૂનામી રાહત પ્રવૃત્તિ પરિચય

(A). સૂનામી રાહત પ્રવૃત્તિ એક નજરમાં

(B). સૂનામી રાહત પ્રવૃત્તિ- ટૂંકો પરિચય

(C). ઉદ્દઘાટન કાર્યક્રમ તથા લોકાર્પણ કાર્યક્રમ

(D). આભારદર્શન  

(A). સૂનામી રાહત પ્રવૃત્તિ એક નજરમાં

પૂર્વભૂમિકા

             પૂર્ણ થતા ઈશુના ૨૦૦૪ના વર્ષના નાતાલ તહેવારના એકદમ પછીના દિવસે સવારે ૮:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી એટલે કે તા.૨૬/૧૨/૨૦૦૪ને દિવસે તમિલનાડુના કાંઠા ઊપર સમૂદ્ર કાળ બનીને ત્રાટક્યો. સમુદ્રના પાણીની દોડતી દિવાલ ગાંડા હાથીની જેમ દોડી રહી હતી અને જમીન ઉપરનાં વચ્ચે આવતાં મકાનો,વ્રુક્ષો, પાણીની ટાંકીઓ, હોડીઓ, નાનાંવહાણો, રોડ ઉપરનાં વાહનો ઉપર એનો કાતીલ પંજો પસારી રહ્યો હતો. કાંઠે વસતા લોકોને માટે એનું રમણીય રૂપ સહજ હતું. પરંતુ એનું કરાલકાલ અને એનું ‍‌રૌદ્રરૂપ જીવનમાં સાવ જ અજાણ્યું હતું. લોકો કંઈ સમજે એ પહેલાં તો દરિયાનાં રાક્ષસી મોજાં એમને ઉપાડીને પાંચ – દસ સેકંડમાં તો એક બે ખેતરવા છેટે અને એક મિનીટ પૂરી થાય ન થાય ત્યાં તો માણસો, પશુઓ અને ઘરવખરી ક્યાંના ક્યાં દૂર નીકળી ગયા. દરિયાદેવનું આવું તાંડવ લગભગ વીસ મિનીટ જેટલું ચાલ્યું. ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યાં. ત્રણેક કલાકમાં તો દરિયો પાછો સ્વસ્થ અને સહજ થઈને યથાસ્થાને ચાલ્યોગયો.

            પાછળ રહ્યાં જમીનદોસ્ત થઈ ગયેલાં મકાનો, ભાંગીને ભૂકો થયેલી હોડીઓ, કાદવમાં દટાઈ ગયેલી ઘરવખરી, પશુઓ તથા માણસના મૃતદેહ અને જે બચીને જીવતા રહી ગયેલા છે એ લોકોના ઉદાસ ચહેરા અને મૂંગાં રૂદન !.

પ્રસ્થાન

      ત્રણ એમ્બ્યુલેન્સમાં સવાર અમારા કુલ ૩૨ જણાના કાફલાએ તા.૨૯/૧૨/૨૦૦૪ના દિવસે ૧૦:૦૦ વાગે સોનટેકરી – નીલપર, કચ્છ છોડ્યું. અમારા શંભુમેળામાં સંસ્થાના કાર્યકર્તાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બહેનો અને રોજીરોટી માટે છૂટક મજુરીકામ કરતા લોકો, થોડું તૈયાર ભાતું, કાચું સીધું, પથારી – પાગરણ, દવાઓ, હિસાબ – કિતાબનો સામાન, કમ્પુટર – લેપટોપ – સેલફોન જેવો જરૂરી સામાન. અરે બાજરાની એક ગુણ અને ઘરઘંટી પણ લીધી. ભલે ભારત દેશમાં જ પણ અજાણ્યા મુલકમાં જવાનું, અજાણ્યા લોકો, ખોરાક, ભાષા, હવામાન વગેરેમાં ભિન્નતામાં મારગ કાઢવાની અને કઠણાઈ તેમજ વિટંબણાઓ તો આવશે એ જાતની તૈયારી સાથે સહુને આવજો કરીને નીકળ્યા.

પંથના વિસામા 

       પ્રો. અનીલ ગુપ્તાજીને ખબર મળતાંજ અડવાણે પગે સહુને મળવા અને આનંદ વ્યક્ત કરવા માટે આવ્યા એમની શુભેચ્છાઓની અમને ખાસ જરૂર છે. એ છે તો ગૃહસ્થી પણ નખશીખ સાધુ પ્રકૃતિના અને કર્મયોગી. એમણે સરસ સરસ કપડાં, દવાઓનાં મોટાં મોટાં બોક્સ અને ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સામાં હતા એટલા રૂપીયા અમને પરાણે આપીને જ પોતે હળવા થયા. આ. ચુનીકાકાના આશિર્વાદ લેવા માટે અમે પહોંચ્યા. આશિર્વાદ, આનંદ અને સાથે એમણે પણ અમારા ખજાનામાં નાણાં ઊમેર્યાં. આણંદ હાઈવે ઊપર ડો. રાજેશ મહેતાએ ચાર ઈન્ટર્ની ડોક્ટરને અમને ભળાવ્યા. અમારા શભુંમેળામાં ૪ વ્યક્તિનો વધારો થયો. આમ અમારો કાફલો હવે ૩૬ જણાનો થયો. એમાંહેની એક બહેનનું ઘર વાપીમાં. અમે રાત્રે ૧૨:૦૦ વાગે પેલી બહેનને ઘરે પહોંચ્યા. ખુબ પ્રેમથી ઘરમાં જ જમાડ્યા. અને સહુને સુવા માટેની સોઈ કરી આપી. 

            પૂનાની ભાગોળે એક હોટલવાળાએ ખુબ પ્રેમ અને સંવેદના ભરપુર દિલથી જમાડ્યા અને કેવળ ટોકનરૂપ નાણાં લીધાં તો બેંગ્લોરના ગુજરાતી સમાજના સભ્યોની સ્ત્રીઓએ જાતે ગરમાગરમ રસોઈ બનાવીને થેપલાં, શાક, છાશ અને એક મીઠાઈ તથા ભજીયાનું જમણ આપ્યું 

      સતત ચાર દિવસ અને ત્રણ રાત કુલ લગભગ ૨૮૦૦ કિ.મી. ની નિર્વિઘ્ને મુસાફરી કરીને લટકામાં પ્રેમ ભરપુર ભોજન કરતા કરતા આખરે પાંચમા દિવસની વહેલી પરોઢે ૬:૩૦ વાગે નાગાપટ્ટીનમ જીલ્લાના સીરકાળી તાલુકા મથકે આવી પહોંચ્યા. આ જગ્યા પસંદ કરવા, સંબંધ સ્થાપિત કરવા અને જરૂરી સહકાર મેળવી આપવામાં ઊત્તરાખંડના શ્રી ભુવન પાઠકની મુલ્યવાન મદદ ન મળી હોત તો કામ સરળ તો ન જ બનત. આ કામ માટે એમનું પ્રદાન અવિસ્મરણીય છે.

સૂનામીગ્રસ્ત વિસ્તારનો પરિચય

           અહીંની શહેરી લોકોની રોટરી કલબની સ્કુલના એકદમ પાકામકાનમાં અમને ઊતારો આપવામાં આવ્યો છે. વિશાળ મકાન, ખુબ જ મોટું ચોગાન, પીવાનું શુધ્ધ પાણી, સંડાસ – બાથરૂમની સારી સગવડ અને પુરતી સુવિધા ભરપુર જગ્યા છે. રસોઈ માટે બહાર મોટો તંબુ બનાવીને રસોઈઘર અને ભોજનાલય બનાવ્યું છે. જેણે પુરાં અઢી વર્ષ અમારો સાથ નિભાવ્યો. 

           આજુ બાજુના વિસ્તારમાં ડાંગર, શેરડી, કાજુ, આંબા, કેળ, નાળીયેર, કેવડો વગેરેથી હર્યો – ભર્યો આખો મલક છે. પાણીની અછત નથી એમ વિપુલતા પણ નથી. મકાનો, આંગણાં, રસ્તાઓ, બસડેપો, પેટ્રોલપંપ વગેરેમાં વિશાળતા, સ્વચ્છતા, થોડી વધુ વ્યવસ્થિતતા ઊડીને આંખે વળગે: શહેરોમાં તેમજ ગામડાંઓમાં બહેનોની સંખ્યા વધારે જોવા મળે. પેટ્રોલપંપ ઉપર બહેનો, દુકાનોમાં વધારે સંખ્યામાં બહેનો છૂટથી હરે – ફરે, હળે – ભળે, પેટ્રોલપંપ – શાકબજાર, ઓફિસો વગેરેમાં મુક્ત રીતે કામ કરતી આપણા કરતા વધારે સંખ્યામાં અને ગુજરાતમાં જ્યાં કલ્પના પણ ન કરી શકીએ એ વિસ્તારમાં ખુબ કાર્યક્ષમ અને અસરકારક કામ કરતી દેખાય.

          અહીંની બજારની ચહલ – પહલ ઉપરથી એક અનુમાન થઈ શકે કે પ્રમાણમાં આ વિસ્તાર ધમધમતા લોકજીવનનો છે. લોકો બજારમાં ખરીદી કરતા વધારે જોવા મળે, અહીં શરાફની ઘણી બધી પેઢીઓ આવેલી છે. બજારમાં વિશેષ તો મારવાડીઓનો દબદબો. સોના બજાર, શરાફ બજાર, મોટા મોટા પ્રોવીઝન સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર એ સઘળું મારવાડીઓના હાથમાં છે. રોટરી ક્લબમાં પણ મારવાડીઓ મોટી સંખ્યામાં છે. અહીંની સ્થાનિક ભાષા બોલે, ટુવાલની જેમ લુંગી શરીરે વીંટે, સ્થાનિક પ્રજા સાથે એમના જેવો જ વ્યાવહાર કરે સાધારણ રીતે પારખવા મુશ્કેલ શરીરનો વર્ણ ઘઊંવર્ણો, શરીર ભરેલાં અને આપણા સાથે સરસ અને ધારાપ્રવાહ હિન્દીમાં વાત કરે. જેમ અમારે માટે તમિલ ભાષા ન આવડે (તમિલ તરીયાદુ) એમ અહીંના સ્થાનિક લોકો કહે નો હિન્દી, નો હિન્દી. 

રસોડું અને ભોજનાલય 

            ‘ કચ્છ  ભૂકંપ ’ વખતે બહારથી સેવા આપવા માટે આવતી ટીમોને – વ્યક્તિઓને આપણે શરૂ કરેલું રસોડું અનેકને માટે ખૂબ જ ઉપકારક બનેલું. એના ઉપરથી ધડો (બોધપાઠ) લઈને આપણે એકદમ પહેલા દિવસથી જ રસોડું શરૂ કરી દીધેલું. અને આમ અહીંનું રસોડું સહુને માટે અત્યંત આશિર્વાદરૂપ બન્યું. બીજા રાજ્યોમાંથી આવતી ટીમો, આપણા સાથે જોડાયેલી ‘ રાઉન્ડ સ્કવેર નેટવર્ક ’ દ્વારા થયેલા પ્રાથમિક શાળાના મકાન બાંધકામ માટે આવેલાં ૩૦ બાળકો અને ૩ શિક્ષકો મળીને કુલ ૩૩ જેટલાને લગભગ ૧૫ દિવસ માટે આપણા શિબિર સ્થળે તેઓ રહયા અને આપણા ભોજનાલયમાં જમ્યા. આમ તામિલનાડુમાં આપણા ભોજનાલયે ઘણા બધાને માટે ‘ અન્નક્ષેત્રની ’ સેવા આપી. રેખાબહેન એના નાયક, બજારમાં શાકભાજી, કરિયાણું તેલ, અનાજ, દાળ વગેરે ખરીદવાનું હોય ત્યારે હિન્દી – અંગ્રેજી ભાષા સાથે સંકેત કરીને – વસ્તુ બતાવીને કામ ચલાવે. એટલું ખરું કે થોડી તકલીફ પડી હશે પણ ભાષા ન આવડવાને લીધે કોઈ જ કામ અટકયું નથી. કયામતનો દિવસ દરિયાનાં મોજાં પર સવાર થઈને આવ્યો એ કાંઠે રહેનારાને માટે આવ્યો હતો. સીરકાળીથી કાંઠો લગભગ ૧૩ કિ.મી દુર આવેલો છે. એટલે થયું એવું કે કાંઠા ઉપર આવેલા ભયંકર પ્રલય ની કશીજ અસર સીરકાળીને ન થઈ. અહીંનું જનજીવન રોજીંદા દિવસની જેમ ચાલતું જ હતું. બધું પાણી ઓસરી ગયા પછી એકાદ કલાક પછી જ વહેવટીતંત્રને સાધારણ માહિતી મળી. સીરકાળી તાલુકા મથક છે.

(B). સૂનામી રાહત પ્રવૃત્તિ- ટૂંકો પરિચય

        આફતમાં કામ કરવાનો અનુભવ ગ્રામ સ્વરાજ સંઘની ટીમને ગાંઠે હતો. બીજા દિવસથી મોટાભાગના સભ્યોએ (૧) સાવરણા અને સુપડી હાથમાં લીધાં. (૨) આપણી સાથે ડોકટરો; નર્સ, દવાઓ, પ્રાથમિક કક્ષાનાં સાધનો અને ત્રણ ગાડીઓ હતી એમણે ચાર ટુકડીઓ પાડી એક ટુકડી સ્થાનિકે રહે. અને ત્રણ ટુકડી ત્રણ એમ્બ્યુલન્સમાં આજુબાજુનાં અસરગ્રસ્ત ગામોમાં રોજ કુપ્પમ (નાનું ગામ) ની મુલાકાત લે, દર્દીઓને તપાસીને દવા આપે. ભાષા સમજવી અઘરી પરંતુ મોટાભાગનું ડોક્ટર ઈશારા સંકેતથી સમજી લે જાણીલે. કારણકે અમ સહુને માટે તામિલ તરિયાદુ (સમજ ન પડવી) અને એમને માટે હિન્દી કુલડીમાં અવાજ કરતા કાંકરા સમાન. આમ છતાં ડોક્ટરોની ટીમે બેનમૂન કામ કર્યું. (૩) શ્રી અનિરુધ્ધભાઈ ની આગેવાની નીચે (૧૦) ગામોમાં ગામનાં બાળકોને એકત્ર કરીવીને

          રમત – ગમત , ગીતો , વાર્તાઓ , ચોપડીઓ , ચિત્રો કાઢવા , ફરવા જવું , ઊત્સવ ઉજવવા વગેરે દ્વારા બાળકોને મોજમજા કરાવવી જેથી બાળકો એ મહાભયાનક ઓથારને ભૂલે (૪) કમ્પ્યુટરના કલાસીસમાં ૧૦ ગામોનાં ૨૮૦ બાળકોએ તાલીમ મેળવી. ટાઈપીંગ, એક્સેલ, એમ.એસ.ઓફીસ, વોર્ડ વગેરે શીખીને રોજગારી મેળવતા થયાં. કમ્પ્યુટરના કલાસીસ બરાબર ત્રણ વર્ષ ચાલ્યા.

          અહીં કામોનો કોઈ પાર નથી. સૌથી પડકારજનક કામ રાહત શિબિરોની સફાઈનું  છે. આજુબાજુ આવેલી સાત જેટલી રાહત શિબિરોમાં ગંદકીનું સામ્રાજય છે. કચરો, એઠવાડ, ઊલ્ટી, સંડાસ, પાણીનાં ખાબોચીયાં, ફાટેલાં – તૂટેલાં કપડાં વગેરે શિબિરમાં જ જ્યાં ત્યાં પડેલાં છે. આપણને ચીતરી ચડે એવી જગ્યાએ લાચાર, બીમાર, અશક્તો, વૃધ્ધો, શિશુ – નાનાં બાળકો આ પ્રકારના લોકોને માટે વિશેષ સુવિધા ભલે ન થઈ શકે પણ સામાન્ય સુવિધાના નામ ઉપર મીંડું છે. કપડાં ધોવાં, વાસણ સફાઈ, સંડાસ – પેશાબ માટે મુકરર કરેલું સ્થાન શિબિરથી થોડું અલગ કરેલું સ્થાન હોવું અત્યંત જરૂરી અને અનિવાર્ય છે. તો ગંદકીમાં લગભગ નેવુ ટકા જેવો ઘટાડો થઈ શકે. અને રહેવાનું સહય બને.

          આમ જોવા જઈએ તો આપણા દેશના લોકોની આદતો ગંદકી તરફની, ઉદાસીનતા, આળસ, વળી એમાં ભળી આફત અને લાચારી બેફીકરાઇ વગેરે વગેરે ગંદકીને ઊત્તેજન આપે, વધારો કરે એ પ્રકારની છે. ખાસ તો એવા લોકો માટે વિશેષ સુવિધા ન થઈ શકે એ સમજાય એવું છે. પણ પ્રાથમિક અને અનિવાર્ય રીતે જરૂરી સુવિધા જ જ્યાં ન હોય ત્યાં આ જાતની ગંદકી થાય એમાં નવાઈ નથી!

         રાહતશિબિરનું સામાન્ય દશ્ય જોવા જેવું છે. બધે જ ગંદકીનું સામ્રાજ્ય. પાણીની સુવિધા પાકી કરી છે. પણ એ જ પાણી ગંદકીને ખૂબ વધારી રહ્યું છે. પાણી નાલીઓમાં જ ભરાઈ ગયેલાં છે, આજુબાજુ કચરો પડ્યો છે અને લોકો એમાં જ રહે છે. આ સઘળું જોઇને કમકમાટી/સુગ/ચીતરી ન ચડે એને ગીતાકાર સ્થિરબુધ્ધીનો કે સ્થિતપ્રજ્ઞ કહે છે.પણ અહીં તો શિબિરમાં રહેનારા સ્થિતપ્રજ્ઞ હોય એમ લાગે!

         આવી સાત શિબિરોની સફાઈ, ડોક્ટરોની સેવા તેમજ ગામના રસ્તાની સફાઈ, વૃધ્ધો – અશક્તોના ઘરોની સફાઈ વગેરેની/વગેરેનું બહુ જ મોટું કામ સહુએ સુગ છોડીને સહજતા અને હસતે મુખે કર્યું.

એવું જ સરસ મજાનું કામ બાળ પ્રવૃતિ કેન્દ્રો

બાળપ્રવૃત્તિ કેન્દ્રોમાં પૂર્તિ  

        એક અત્યંત મહત્વપૂર્ણ અને બુનિયાદી કામ થયું એ બાળકો માટેનું. સુનામીને કારણે શાળાઓ – આંગણવાડીઓ, મધ્યાન ભોજન, ઘરો, મંદિરો, સાર્વજનિક સ્થળો વગેરે સૂમસામ ભાસે છે. નથી બાળકોનાં ઝૂડ કે નથી કલશોર ! ગામમાં ધોળા દિ’એ સોપો પડેલો દેખાય !  આઘાત અને ગમને લીધે કયાંક મૂંગાં ડૂસકાં તો કયાંક વિલાપ અને રડારોડ તો કયાંક હૃદયદ્રાવક કકળાટ સાંભળવા મળે. આમાં બાળકો મફત વહેંચાતા રાહતમાલની ગાડીની આગળ પાછળ કે અન્ન વહેંચણી કે તૈયાર ભોજન સામગ્રીની વહેંચણીના સ્થળે ચક્કર કાટતાં નજરે ચડે !

       મનને અસ્વસ્થ અને ક્ષુબ્ધ બનાવી દેતા અને તેથી ખિન્નતા અને અવસાદભર્યા વાતાવરણમાં નાનાં બાળકોની સંભાળ લેવી અત્યંત જરૂરી બની જાય છે. એમના આનંદ, થનગનાટ અને ઊર્જા માટે એમને સધિયારા અને હિફાજતની ખાસ જરૂર છે. એમને માટે ચિંતા – ફિકર કે દરકાર કરનાર કોઈ જ નથી. એ પ્રકારની સંવેદનશીલતા અને નિસ્બત ગોતી જડતી નથી ! અહીં આપણો ધરતીકંપ વખતનો ‘ ડે કેર સેન્ટર ’ કે ‘ બાળ પ્રવૃત્તિ કેન્દ્ર ’નો અનુભવ ખૂબ જ કામ આવ્યો. આપણે આ બાબતમાં સહાનુભુતિ, ખેવના અને દરકાર સાથે ઘણો લાંબો સમય કામ કર્યું.

  • બાળકો સાથેની પ્રવૃત્તિઓ 
  • આની પાછળનો મુખ્ય હેતુ છે એમનાં દુઃખ દર્દની જગ્યાએ આનંદની ક્ષણો વધારવી. આ માટે નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓમાં બાળકોને જોડી શકાયાં.
  • અભિનય ગીતો, સાદાં ગીતો, કથા-વાર્તા, રમત-ગમત, ચિત્રો બનાવવાં.
  • ચોપડીઓમાં ચિત્રો જોવાં, રોપાઓને પાણી પાવું. સફાઈ કરવી, ઉત્સવ ઊજવણી, બાળ ફિલ્મ શો, નાના નાના પ્રવાસો, પૂરક પૌષ્ટિક આહાર.
  • કેન્દ્રના સંચાલકો અને સંચાલન 
  • ખાસ કરીને ગ્રેજ્યુએટ બહેનો, બાળકો પ્રત્યે સંવેદના ધરાવતી બહેનો.
  • જેમણે ત્રણ દિવસની પાયાની તાલિમ લીધી છે તેવી બહેનો.
  • દર મહિને એક દિવસની રીફ્રેશમેન્ટ તાલીમ અને નવું આયોજન.
  • અનુભવેલી સચ્ચાઈ અને પડકારો 
  • સમાજના મુખીઓ-આગેવાનો બાળકોને અગ્રિમતા આપતા નથી.
  • બાળકો પ્રત્યેની યોગ્ય સમજણ અને સંવેદનશીલતાનો અભાવ.
  • રાહતકામ માટે આવેલી ઘણી બધી સંસ્થાઓનું બાળકો તરફ દુર્લક્ષ.

       શ્રી અનિરુધ્ધસિંહ અને યજુવેન્દ્રસિંહના નેતૃત્વમાં દસ જેટલાં અસર ગ્રસ્ત ગામોનાં બાળકો, કિશોરીઓ વગેરેને માટે બાળ પ્રવૃતિ કેન્દ્રો બે વર્ષ સુધી ચલાવ્યાં. બાળકોને વિવિધ રસિક પ્રવૃતિઓમાં રોકાયેલાં રાખવાં. કે જેથી એમનાં દુખ – દર્દ, અસહય માનસિક આઘાત  હળવાં થાય અને કાંઈકેય સહ્ય બને. 

વિભિન્ન બાંધકામ

શાળાનું બાંધકામ 

        વાનગિરિ ગામ ની શાળાના શિક્ષક શ્રી રામાયણજી સહયોગી વલણવાળા, બાળકોના અભ્યાસ માટેની નિસ્બત અને શાળાનાં મકાન માટે બહુ જ ચિંતિત હતા. આપણા પાસે જે રકમ હતી એ તો ખુબ જ ઓછી હતી. અને સૌથી પહેલી ચિંતા લોકોને રોજગારી મળતી થાય એ માટે હતી. શાળાનાં મકાનો તો સરકાર, વિદેશી ધનવાન એજન્સીઓ વગેરે બનાવે જ બનાવે.

        પણ રાઉન્ડ સ્ક્વેર નામનું શાળાઓનું આંતરરાષ્ટ્રીય સ્વૈચ્છિક સંગઠન. જેમાં દહેરાદુનની દુન સ્કુલ સભ્ય એમના વિદ્યાર્થીઓ અને એમના જેમ વિદેશી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો સાથે મળીને આવા પ્રકારની આફતોમાં અહીંની શાળાના બાંધકામમાં જાતે મહેનત મજુરી કરીને, પરસેવો પાડીને. ઈટો – પથ્થર ઉપાડવા, સિમેન્ટ – રેતીના બનેલા માલ (ગારો)નાં તગારાં ઉપાડીને કડિયાને આપવાં, છત ભરવા મહેનત કરવી. અને આ રીતે શાળાનું મકાન તૈયાર કરવું, ઊત્સાહી અને સમજદાર શિક્ષકશ્રી તથા ગ્રામજનો ખુબ રાજી થયા. અને આપણાને ખુબ સંતોષ થયો. આફતમાં સપડાયેલાને મદદ કરવાના સંસ્કાર માટે આવી પ્રવૃત્તિ ખૂબ જરૂરી છે.

        આમાં મહત્વની વાત બાળકોની નિસ્બતની છે. સમાજના પિડીતો, દુખ – દર્દમાં બેહાલ અને આફતમાં સપડાએલાને મદદ કરવી એ આપણો મનુષ્યધર્મ કે સમાજધર્મબને છે એ પ્રકારના અનુકંપા, દયા અને પરગજુપણાના સંસ્કાર કે વલણ વિકસાવવામાં આવા કાર્યક્રર્મોનું સમગ્ર સમાજજીવનમાં અદકેરૂ સ્થાન છે. 

        એ વખતે એમણે એટલેકે રાઊન્ડ સ્ક્વેર સંસ્થાએ માલ – સામગ્રીનો ખર્ચ પણ કર્યો. આમ એમના સહયોગથી એક સરસ મજાનું શાળાનું મકાન બન્યું. 

રોજગારી 

        આપણને સૌથી વધારે ચિંતા બાળકો વગેરેને લાગેલા શોકની હતી. એ માટે આપણે દસ જગ્યાએ બાળ પ્રવૃતિ કેન્દ્રો શરૂ કર્યાં. એવી જ ચિંતાની બાબત હતી લોકોની રોજગારીની. સામે જ દરિયો ઘુઘવી રહ્યો હતો. એમનો ધંધો દરિયામાં જઈને માછલી પકડવાનો. એમને માટે દરિયો તો ઘરનું આંગણું હતું અને એ આંગણું આમંત્રણ આપી રહ્યું હતું. એમની પાસે જે કાંઈ બચ્યાં – ખૂચ્યાં સાધનો હતાં. એ સાધનોથી માછલીઓ તો પકડી શકાતી હતી. પણ માછલી વેચવા માટે સાફ – સુથરી, રેતી – માટી વિનાની અને માથે છાપરું હોય એવી જગ્યા જોઈએ. આપણે ગામ લોકોના સૂચવ્યા અનુસાર નવ જગ્યાએ પાકી મચ્છી માર્કેટ બનાવી આપી. મચ્છી માર્કેટના ઊદઘાટન વખતે કચ્છમિત્ર અખબારે નોંધ્યું છે કે એક જૈન પરિવારે મચ્છી માર્કેટનું ઊદઘાટન કર્યું. હવે એમને પોતાની માછલીના ડબલ ભાવ મળવા મંડ્યા. 

સજીવ ખેતીને ઊત્તેજન માટે ખેડૂતોને સહાય 

        તમિલનાડુમાં સજીવ ખેતીના વિકાસ માટે સેન્ટર ફોર ‘ઇન્ડિયન નોલેજ સીસ્ટમ’ નામની સંસ્થા કામ કરે છે અને એનું  સરસ મજાનું એક કેન્દ્ર સીરકાળીમાં પણ છે. એ કેન્દ્રનાં સંચાલન સુ.શ્રી. સુભાષિની શ્રીધર ખેતીવાડીનાં ગ્રેજ્યુએટ એમનું આજુબાજુનાં ગામડાઓના ખેડૂતોમાં ઘણું બધું કામ અને સારી એવી પહોંચ. મૂળમાં જઈને કામ કરનારી સંસ્થા.

         આપણે એમની આગેવાનીમાં નીચે મુજબ કામો કર્યાં.

૧. ખેડૂતોને સજીવ ખેતીની તાલીમ  – ૨ તાલીમ 

૨. સજીવ ખેતી નિદર્શન પ્લોટ  – ૨ પ્લોટ 

૩. વર્મી કમ્પોસ્ટ બનાવવું  – ૨૦ ખેડૂતો 

૪. બોરવેલ બનાવવા માટે સહાય  – ૫ ખેડૂતો 

૫. ખેતીનાં પાયાનાં નાનાં ઓજારો – (૧૨૦ ઓજારો) ૩૦ ખેડૂતો.

કમ્પ્યુટર ના વર્ગો

        સમાજજીવનમાં કમ્પ્યુટર કુદકેને ભૂસકે વધી રહ્યું છે. ટાઇપ રાઈટર ની જેમ એ ટાઇપ રાઈટરનું તો કામ કરે જ પણ એનાથી પણ અનેક ગણાં વધારે કામ કરે. હવેના સમયમાં એ સહુએ શીખવું પડે એવી એની જરૂરિયાત અને મહત્વ સ્થાપિત થઈ ચુક્યું છે. 

       આપણે તો કિશોરો – યુવાનોની રોજગારીની ચિંતા અને નિસ્બતને સ્વિકારીને કમ્પ્યુટરની તાલીમ શરૂ કરી. 

       કમ્પ્યુટર શીખવા માટે ટાઇપ કરવું એ પહેલું પગથીયું ગણાય. આને માટે ટાઇપ રાઈટર હોય તો કમ્પ્યુટરને બગડવાની શક્યતાઓ ઘટે. ગુજરાતમાં રહેલ નાખી. કે દસ ટાઇપ રાઈટર ખપે છે. ગ્રામ સ્વરાજ સંઘ એટલે કે આપણી પાસે બે ટાઇપ રાઈટર ધૂળ ખાતાં પડ્યાં હતા. એની ધૂળ ખંખેરી. એ જ રીતે અમદાવાદના ચુનીકાકાની લોકસમિતિ તો ગાંઘી મ્યુઝીયમના અમૃતભાઈ મોદી વગેરે પાસેથી આપણી જરૂરતનાં ટાઈપ રાઈટર મળી ગયાં, બધા ધૂળ ખાતાં પડ્યાં હતાં. સહુએ આનંદભેર ટાઈપ રાઈટર ગ્રામ સ્વરાજ સંઘને સુપ્રત કર્યાં. અને આવા સુંદર કામ માટે નકામાં પડેલાં ટાઈપ રાઈટર જાય છે એનો આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો. સાફસુફ કરી, સમારકામ કરીને, સીરકાળી પહોંચાડ્યાં. એ બેકાર પડેલાં ટાઈપ રાઈટરે ખુબ સારી સેવા આપી.દસ ગામોમાં ખુબ જ સુંદર રીતે વર્ગો ચાલ્યા. જેમાં ૧. કમ્પ્યુટર પરિચય. ૨. ટાઈપીંગ પ્રેક્ટીસ. ૩. એમ.એસ.વર્ડ. ૪. એમ.એસ.ઓફીસ. ૫. એકસેલ. ૬. પાવર પોઈન્ટ. ૭. ટેલી અને ૮ એમ.એસ. ઈન્ટરનેટ  જેટલાની તાલીમ લીધી.

કુલ ૧૦ ગામનાં ૨૮૦ બહેનો એ તાલીમ લીધી. જે એમને રોજગારી મેળવવામાં ખુબ ઊપયોગી થશે.

રોજગારી માટેના અન્ય વિકલ્પો અને ઈતર કામો      

  બહેનોને સિલાઈ મશીન ખરીદીને આપવાં – ૫ બહેનો.

  વિધવા બહેનોને ગાય ખરીદ કરવામાં આર્થિક સહાય કરવી – ૫ બહેનો.

  માનસિક રીતે અસ્વસ્થ લોકોને સાઈકોસોશ્યલ સપોર્ટ. 

  ગામોનો સર્વે અને સ્વેચ્છિક સંસ્થાઓ સાથે સંકલન 

  સરકારની સંકલન મીટીંગોમાં ઉપસ્થિત રહેવું : નાગાપટ્ટીનમ જિલ્લાના જિલ્લા મથકમાં. 

  રાહત સામગ્રીનું પેકીંગ અને વિતરણ.

          સુનામી રીલીફમાં સહુ કોઈએ ખુબ સુંદર કામગીરી કરી. પણ શ્રી અનિરુધ્ધસિંહ જાડેજા, શ્રી યજુવેન્દ્રસિંહ પરમાર અને સુ.શ્રી. રેખાબહેન સંઘવીની કામગિરિ સહુથી શીરમોર રહી. એમની ભૂમિકા આવી રૂપ ગણી શકાય.

         આપણી શિબિરમાં બહારથી મદદ માટે આવતી ઘણી બધી વ્યક્તિઓએ નિવાસ, ભોજનશાળા અને અન્ય સુવિધાઓનો લોકોના હિતમાં સરળતાથી ઉપયોગ કર્યો. એમાં તથા સીરકાળી શહેરના શ્રી. સાગરમલ જૈન, શ્રી. વસંતભાઈ પટેલ અને આખોએ પરિવાર, સુ. શ્રી. સુભાષિની શ્રીધર અને C I K S ( સેન્ટર ફોર ઇન્ડિયન નોલેજ સીસ્ટમ) સંસ્થા, બહેન દુર્ગા જેવી કિશોરીઓનો બહુમુલ્ય સહયોગ મેળવવા અને આત્મીયતા કેળવવામાં એમની મહેનત, ખંત અને આત્મીયતાને સલામ કરવી જોઈએ.

(C). ઉદ્દઘાટન કાર્યક્રમ તથા લોકાર્પણ કાર્યક્રમ

અણદીઠેલી ભોમ ઉપર જવા માટે પગ તો ઉપાડયા. ત્યાં જઈને ડોકટરની ટીમના કામનું મહત્વ તો જણાયું. પણ પારાવાર ગંદકી જોઈને શરૂઆત સફાઈકામથી કરી. ધીરે ધીરે વિસ્તારની જાણકારી અને પરિચય મળ્યા પછી એના પ્રશ્નો અને સંભવિત ઉકેલ તરફ ધ્યાન ગયું અને જૂનાં સફાઈ-સ્વચ્છતાનાં કામો સાથે શાળાનું મકાન, કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર, સજીવ ખેતીને ઉત્તેજન તથા મચ્છી માર્કેટના બાંધકામ જેવાં કામો ખુલ્લાં થઈને દેખાવા લાગ્યાં. એ માટે માળખાં બનાવ્યાં. એટલે એના ઉદ્દઘાટન અને લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો. જે માટે તામીલનાડુ રાજયના સર્વોદય હિલચાલના અગ્રણી સર્વોદય કાર્યકર્તા સુ.શ્રી પદ્મશ્રી કૃષ્ણમ્મા જગન્નાથ દ્વારા ખુલ્લાં મુકાયાં. અને લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતના કચ્છમિત્ર છાપાના તંત્રીશ્રી કિર્તીભાઈ ખત્રીએ કાર્યક્રમના પ્રમુખ તરીકે સ્થાન શોભાવ્યું.

          બે દિવસના સમગ્ર કાર્યક્રમની વિગત સાથેના કાર્ડ પરથી જાણવી રસપ્રદ બનશે.

(D). આભારદર્શન

ગુજરાતી લોકોની ખાસીયતને સુંદર રીતે દર્શાવતો એક સરસ મજાનો રૂઢીપ્રયોગ છે. ‘ આરંભે શૂરા ’.

        રાપર તાલુકામાંથી શરૂઆતમાં ૩૨ જેટલી સંખ્યા + ૪ ઈન્ટર્ની ડોકટરો આણંદથી જોડાયા. કુલ થયા ૩૬ જણ. ત્યાર પછી એમનું સ્થાન લેવા માટેના દસ્તા-જથ્થા આવવા માંડયા. અને એવો સેવાનો યજ્ઞ પૂરા એક વર્ષ ખૂબ તાકાતથી ચલાવવા વ્યક્ત કરવાની રજા લઉં છું.

         ગ્રામ સ્વરાજ સંઘ (સોનટેકરી) સંસ્થા પરિવાર ઊંડા આનંદ સહ ગૌરવ અને આદરની લાગણી વ્યક્ત કરે છે, કે જેમણે

  1. ઘરની જવાબદારી ખંખેરીને આફતમાં સપડાએલા ભાઈ-ભાંડુ માટે તરત જ અજાણ અને અગોચર જગ્યાએ જવા માટે તૈયાર થતા સ્વયંસેવકો.
  2. રાપર નગરના ઘણા બધા સમજુ-શાણા અને સક્રિય નાગરિકો.

iii.  સીરકાળી (નાગાપટ્ટીનમ)ના સ્થાનિક રહિશો-સંસ્થાઓ.

  1. સૂનામી આફતગ્રસ્ત વિસ્તારના નાગરિકોમાંથી આપણી રાહતપ્રવૃત્તિ સાથે ઘનિષ્ટ રીતે જોડાએલા લોકો.
  2. સંપૂર્ણપણે ટેકનીકલ શિક્ષણ અને જેમનો ઉછેર મુખ્યત્વે પોતાના ડોકટરીના ધંધાને વિકસાવવા માટે જ થયો હોવા છતાં આવા પ્રકારની રાહતપ્રવૃત્તિમાં નર્સ, ડોકટર્સ વગેરે અને એમને સેવા આપવા માટે પ્રેરણા આપનાર ડૉ. રાજેશ મહેતા.
  3. શ્રી ભુવન પાઠક કે જે ઉત્તરાંચલના છે. ઉત્તરાંચલથી ખાસ મદ્રાસ જઈને નીલપર આવ્યા હતા. પણ આપણે સૂનામી આફતમાં સપડાયેલા ઓમાં ફરીને મોકલ્યા અને ત્યાં ખૂબ ચિંતા અને કાળજીથી આપણા માટે યોગ્ય સ્થાન, કામ કરવા માટેનું ક્ષેત્ર શોધીને પૂર્વતૈયારી કરીને આપણને કોઈ જાતની તકલીફ ન પડે એવી જાતની કાળજી રાખનારા સંસ્થાના મિત્ર શ્રી ભુવન પાઠકની સદ્દભાવ અને સદ્દકાર્ય કરવા માટે.

vii.  દાનનો પ્રવાહ વહેવડાવનારાઓ દેશ-વિદેશના શુભેચ્છકોનો આવા સમયે સંસ્થા તરફના પ્રેમ અને વિશ્વાસપૂર્વક વિના શરતે અને બંધનમુકત દાન આપવા માટે.

પૂર્તિ (A). તાલુકો : સીરકાળી જિ. નાગાપટ્ટીનમ

સૂનામી રાહત પ્રવૃત્તિ : ગામોનાં નામો

૧. Kirmuvarkarai

2. kooliyar

3. Madtukuppam

4. Naikarkuppam

5. poompuhar

6. pudukuppam

7. Savdikuppam

8. Thirumalaivasal

9. Thuduvai

10. Vangiri

કીરમુવારકાઈ

કુલીયાર

મડટુકુપ્પમ

નાયકરકુપ્પમ

પૂમ્પહાર

પુદુકુપ્પમ

સાવડીકુપ્પમ

થીરૂમલાઈવાસલ

થુડુવાઈ

વાનગીરી

 

નોંધ :

૧. આપણે જયાં સઘન રીતે કામો કર્યાં.

૨. નાગાપટ્ટીનમ જિલ્લાનાં સીરકાળી તાલુકાનાં ગામો.

૩. સીરકાળી રેલ્વે સ્ટેશન છે. જે મદ્રાસથી ૨૮૦ કિ.મી. અને નાગાપટ્ટીનમથી ૬૦ થી ૭૦ કિ.મી. છે.