બાળકોની વાત : નકુલભાઈ
અત્યારે જે વાત કરવાની છે તેનાં મૂળ પડેલાં છે બે દાયકા પહેલાંના કચ્છના ભીષણ ભૂકંપમાં…
કુદરતનું એ રૌદ્ર સ્વરૂપ. ક્ષણમાત્રમાં સઘળું તહસ-નહસ. સોનટેકરી પરિસર પરનાં સઘળાં મકાનો ધરાશાયી…
૨૦૦ જેટલાં બાળકો આ પરિસરનાં છાત્રાલયોમાં… મા-બાપની એ થાપણ… વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર ઠપ્પ ! એવા સંજોગોમાં એ બાળકોને માવતરની નિશ્રામાં પહોંચાડવાં કેવી રીતે ? તે વખતે તો ઈશ્વર કૃપાથી બધું ગોઠવાઈ ગયું પણ આવા સંજોગો સર્જાય ત્યારે હાથ વગો ઉપાય શો ? એ મંથનમાંથી પગપાળા પ્રવાસનો માર્ગ સૂઝયો ! જેથી આફતના સમયે બાળકોને પગપાળા તેમના ઘરે પહોંચાડી શકાય ! પણ બાળકો કેટલું ચાલી શકે ? તેની કસોટી કરવા નીલપરથી રવેચીનો પગપાળા પ્રવાસ ગોઠવવાનું વિચાર્યું. નીલપરથી રવેચીનું અંતર છે. ૨૫ કિ.મી… રાપરના બાળપ્રિય શ્રી વિપુલભાઈ મહેતા તરફથી છપ્પન ભોગનો નાસ્તો હોય, અંતાક્ષરી અને પેલા કાચબાભાઈ અને સસલાભાઈની વાર્તા જેવી લક્ષ સુધી પહોંચવાની સ્પર્ધા પણ ચાલે. ૪ કલાકમાં તો ૨૫૦ જેટલાં બાળકો ૨૫ કિ.મી. ની દડમજલ ઉત્સાહથી કાપી નાખે ! એ પછી તો ૫૦ કિ. મી. સુધી ચાલવાની પદયાત્રા પણ ગોઠવવાનો ઉપક્રમ રચાયો. વિસામો લેતાં લેતાં ૧૨ કલાકે ૫૦ કિ.મી. નું અંતર કાપી શકાય છે એવો અનુભવ થયો.
રવેચી માતાના પગપાળા પ્રવાસમાં ધો. ૧ થી ૪ નાં નાનાં બાળકોને સામાન્ય રીતે સાથે નથી રાખતાં. તેમને માટે વાહન વ્યવસ્થા રાખવામાં આવે છે. પણ નાની બાળાઓની પગે ચાલવાની મોજ માણવાની ઈચ્છાને કારણે આ વખતે તેમની એક ટૂકડી બનાવી જે ચાલવામાં મારી સાથે હતી.
બે-એક કિલોમીટર ચાલ્યા પછી મારું ધ્યાન ગયું કે આ ટોળીમાંથી ૭-૮ વરસની એક બાળાના પગમાં ચંપલ નહોતા, ને ઠંડીમાં રસ્તા પર કાંકરા કહે, “પગમાં વાગવું તે તો મારું કામ”… મેં કહયું “ દીકુ ! તારા ચંપલ ક્યાં ?” તો કહે, “ગઈ રાતે તો હતા… સવારે શોધ્યાં પણ મળ્યાં જ નહીં ને !!! હાલો ! હાલો ! ઈ તો હું ખમી ખાઈશ.” તે વળી ટ્રોલીમાં બેસવા કે તેડી લેવા દેવામાં માને તેવી કાચી-પોચી નહીં… તેને સમજાવી પણ માને નહીં… તેથી અમારો કાફલો આગળ ચાલ્યો. વળી અડધો કિ.મી. ચાલ્યા પછી તેના પગ સામે જોયું તો પગમાં ચંપલ ! મેં સૌને ઊભા રાખીને કહયું કે, “અરે આ તો જાદુ ! આ કયા શાંતાકલોઝ તને મળી ગયા વળી…?” તો તેણે નવેક વરસની એક દીકરી સામે આંગળીને ચીંધીને કહયું કે, “ઈ રહયાં.” મેં તે દીકરીને પૂછયું કે આ દીકરી તારી કોઈ સંબંધી છે ? તો તે કહે, “ના રે ના મામા ! ઈ તો મેં જોયું કે તેના પગ મારા પગ કરતાં વધુ નાના અને પોચા છે તેથી તેને કાંકરા વધુ વાગતા હશે…” એમ વિચારીને મેં તેને મારા ચંપલ પહેરવા આપી દીધાં… આ જવાબ સાંભળીને હૈયું તરબતર થઈ ગયું અને આંખો મારી સજળ બની.
ભૂકંપને પરિણામે લોકોની મનોદશા બદલાઈ ગઈ… અણહક્કનું લેવાનો જે ક્ષોભ હતો તે અદ્રશ્ય થતો દેખાય, ભ્રષ્ટાચાર લોહીમાં ભળેલો જોવા મળે… પરસેવાની કમાણી કરવાને બદલે મદદ મેળવવા ફાંફાં મારતા જોવા મળે, માનવતા મરી પરવારતી હોય તેવા અનુભવો થતા રહે છે ત્યારે એક નાનકડી બાળામાં લીલીછમ થઈ ઉઠેલી માનવતા જોઈને ધન્ય થવાયું. સંસ્કારોના અહીં વવાતાં બીજને આવી રીતે અંકુરિત થતાં જોઈ છાતી ફૂલી…