(A). સૂનામી રાહત પ્રવૃત્તિ એક નજરમાં
પૂર્વભૂમિકા
પૂર્ણ થતા ઈશુના ૨૦૦૪ના વર્ષના નાતાલ તહેવારના એકદમ પછીના દિવસે સવારે ૮:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી એટલે કે તા.૨૬/૧૨/૨૦૦૪ને દિવસે તમિલનાડુના કાંઠા ઊપર સમૂદ્ર કાળ બનીને ત્રાટક્યો. સમુદ્રના પાણીની દોડતી દિવાલ ગાંડા હાથીની જેમ દોડી રહી હતી અને જમીન ઉપરનાં વચ્ચે આવતાં મકાનો,વ્રુક્ષો, પાણીની ટાંકીઓ, હોડીઓ, નાનાંવહાણો, રોડ ઉપરનાં વાહનો ઉપર એનો કાતીલ પંજો પસારી રહ્યો હતો. કાંઠે વસતા લોકોને માટે એનું રમણીય રૂપ સહજ હતું. પરંતુ એનું કરાલકાલ અને એનું રૌદ્રરૂપ જીવનમાં સાવ જ અજાણ્યું હતું. લોકો કંઈ સમજે એ પહેલાં તો દરિયાનાં રાક્ષસી મોજાં એમને ઉપાડીને પાંચ – દસ સેકંડમાં તો એક બે ખેતરવા છેટે અને એક મિનીટ પૂરી થાય ન થાય ત્યાં તો માણસો, પશુઓ અને ઘરવખરી ક્યાંના ક્યાં દૂર નીકળી ગયા. દરિયાદેવનું આવું તાંડવ લગભગ વીસ મિનીટ જેટલું ચાલ્યું. ધીરે ધીરે પાણી ઓસરવા લાગ્યાં. ત્રણેક કલાકમાં તો દરિયો પાછો સ્વસ્થ અને સહજ થઈને યથાસ્થાને ચાલ્યોગયો.
પાછળ રહ્યાં જમીનદોસ્ત થઈ ગયેલાં મકાનો, ભાંગીને ભૂકો થયેલી હોડીઓ, કાદવમાં દટાઈ ગયેલી ઘરવખરી, પશુઓ તથા માણસના મૃતદેહ અને જે બચીને જીવતા રહી ગયેલા છે એ લોકોના ઉદાસ ચહેરા અને મૂંગાં રૂદન !.
પ્રસ્થાન
ત્રણ એમ્બ્યુલેન્સમાં સવાર અમારા કુલ ૩૨ જણાના કાફલાએ તા.૨૯/૧૨/૨૦૦૪ના દિવસે ૧૦:૦૦ વાગે સોનટેકરી – નીલપર, કચ્છ છોડ્યું. અમારા શંભુમેળામાં સંસ્થાના કાર્યકર્તાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, બહેનો અને રોજીરોટી માટે છૂટક મજુરીકામ કરતા લોકો, થોડું તૈયાર ભાતું, કાચું સીધું, પથારી – પાગરણ, દવાઓ, હિસાબ – કિતાબનો સામાન, કમ્પુટર – લેપટોપ – સેલફોન જેવો જરૂરી સામાન. અરે બાજરાની એક ગુણ અને ઘરઘંટી પણ લીધી. ભલે ભારત દેશમાં જ પણ અજાણ્યા મુલકમાં જવાનું, અજાણ્યા લોકો, ખોરાક, ભાષા, હવામાન વગેરેમાં ભિન્નતામાં મારગ કાઢવાની અને કઠણાઈ તેમજ વિટંબણાઓ તો આવશે એ જાતની તૈયારી સાથે સહુને આવજો કરીને નીકળ્યા.
પંથના વિસામા
પ્રો. અનીલ ગુપ્તાજીને ખબર મળતાંજ અડવાણે પગે સહુને મળવા અને આનંદ વ્યક્ત કરવા માટે આવ્યા એમની શુભેચ્છાઓની અમને ખાસ જરૂર છે. એ છે તો ગૃહસ્થી પણ નખશીખ સાધુ પ્રકૃતિના અને કર્મયોગી. એમણે સરસ સરસ કપડાં, દવાઓનાં મોટાં મોટાં બોક્સ અને ખિસ્સામાં હાથ નાખીને ખિસ્સામાં હતા એટલા રૂપીયા અમને પરાણે આપીને જ પોતે હળવા થયા. આ. ચુનીકાકાના આશિર્વાદ લેવા માટે અમે પહોંચ્યા. આશિર્વાદ, આનંદ અને સાથે એમણે પણ અમારા ખજાનામાં નાણાં ઊમેર્યાં. આણંદ હાઈવે ઊપર ડો. રાજેશ મહેતાએ ચાર ઈન્ટર્ની ડોક્ટરને અમને ભળાવ્યા. અમારા શભુંમેળામાં ૪ વ્યક્તિનો વધારો થયો. આમ અમારો કાફલો હવે ૩૬ જણાનો થયો. એમાંહેની એક બહેનનું ઘર વાપીમાં. અમે રાત્રે ૧૨:૦૦ વાગે પેલી બહેનને ઘરે પહોંચ્યા. ખુબ પ્રેમથી ઘરમાં જ જમાડ્યા. અને સહુને સુવા માટેની સોઈ કરી આપી.
પૂનાની ભાગોળે એક હોટલવાળાએ ખુબ પ્રેમ અને સંવેદના ભરપુર દિલથી જમાડ્યા અને કેવળ ટોકનરૂપ નાણાં લીધાં તો બેંગ્લોરના ગુજરાતી સમાજના સભ્યોની સ્ત્રીઓએ જાતે ગરમાગરમ રસોઈ બનાવીને થેપલાં, શાક, છાશ અને એક મીઠાઈ તથા ભજીયાનું જમણ આપ્યું
સતત ચાર દિવસ અને ત્રણ રાત કુલ લગભગ ૨૮૦૦ કિ.મી. ની નિર્વિઘ્ને મુસાફરી કરીને લટકામાં પ્રેમ ભરપુર ભોજન કરતા કરતા આખરે પાંચમા દિવસની વહેલી પરોઢે ૬:૩૦ વાગે નાગાપટ્ટીનમ જીલ્લાના સીરકાળી તાલુકા મથકે આવી પહોંચ્યા. આ જગ્યા પસંદ કરવા, સંબંધ સ્થાપિત કરવા અને જરૂરી સહકાર મેળવી આપવામાં ઊત્તરાખંડના શ્રી ભુવન પાઠકની મુલ્યવાન મદદ ન મળી હોત તો કામ સરળ તો ન જ બનત. આ કામ માટે એમનું પ્રદાન અવિસ્મરણીય છે.
સૂનામીગ્રસ્ત વિસ્તારનો પરિચય
અહીંની શહેરી લોકોની રોટરી કલબની સ્કુલના એકદમ પાકામકાનમાં અમને ઊતારો આપવામાં આવ્યો છે. વિશાળ મકાન, ખુબ જ મોટું ચોગાન, પીવાનું શુધ્ધ પાણી, સંડાસ – બાથરૂમની સારી સગવડ અને પુરતી સુવિધા ભરપુર જગ્યા છે. રસોઈ માટે બહાર મોટો તંબુ બનાવીને રસોઈઘર અને ભોજનાલય બનાવ્યું છે. જેણે પુરાં અઢી વર્ષ અમારો સાથ નિભાવ્યો.
આજુ બાજુના વિસ્તારમાં ડાંગર, શેરડી, કાજુ, આંબા, કેળ, નાળીયેર, કેવડો વગેરેથી હર્યો – ભર્યો આખો મલક છે. પાણીની અછત નથી એમ વિપુલતા પણ નથી. મકાનો, આંગણાં, રસ્તાઓ, બસડેપો, પેટ્રોલપંપ વગેરેમાં વિશાળતા, સ્વચ્છતા, થોડી વધુ વ્યવસ્થિતતા ઊડીને આંખે વળગે: શહેરોમાં તેમજ ગામડાંઓમાં બહેનોની સંખ્યા વધારે જોવા મળે. પેટ્રોલપંપ ઉપર બહેનો, દુકાનોમાં વધારે સંખ્યામાં બહેનો છૂટથી હરે – ફરે, હળે – ભળે, પેટ્રોલપંપ – શાકબજાર, ઓફિસો વગેરેમાં મુક્ત રીતે કામ કરતી આપણા કરતા વધારે સંખ્યામાં અને ગુજરાતમાં જ્યાં કલ્પના પણ ન કરી શકીએ એ વિસ્તારમાં ખુબ કાર્યક્ષમ અને અસરકારક કામ કરતી દેખાય.
અહીંની બજારની ચહલ – પહલ ઉપરથી એક અનુમાન થઈ શકે કે પ્રમાણમાં આ વિસ્તાર ધમધમતા લોકજીવનનો છે. લોકો બજારમાં ખરીદી કરતા વધારે જોવા મળે, અહીં શરાફની ઘણી બધી પેઢીઓ આવેલી છે. બજારમાં વિશેષ તો મારવાડીઓનો દબદબો. સોના બજાર, શરાફ બજાર, મોટા મોટા પ્રોવીઝન સ્ટોર, રેડીમેડ ગારમેન્ટ સ્ટોર એ સઘળું મારવાડીઓના હાથમાં છે. રોટરી ક્લબમાં પણ મારવાડીઓ મોટી સંખ્યામાં છે. અહીંની સ્થાનિક ભાષા બોલે, ટુવાલની જેમ લુંગી શરીરે વીંટે, સ્થાનિક પ્રજા સાથે એમના જેવો જ વ્યાવહાર કરે સાધારણ રીતે પારખવા મુશ્કેલ શરીરનો વર્ણ ઘઊંવર્ણો, શરીર ભરેલાં અને આપણા સાથે સરસ અને ધારાપ્રવાહ હિન્દીમાં વાત કરે. જેમ અમારે માટે તમિલ ભાષા ન આવડે (તમિલ તરીયાદુ) એમ અહીંના સ્થાનિક લોકો કહે નો હિન્દી, નો હિન્દી.
રસોડું અને ભોજનાલય
‘ કચ્છ ભૂકંપ ’ વખતે બહારથી સેવા આપવા માટે આવતી ટીમોને – વ્યક્તિઓને આપણે શરૂ કરેલું રસોડું અનેકને માટે ખૂબ જ ઉપકારક બનેલું. એના ઉપરથી ધડો (બોધપાઠ) લઈને આપણે એકદમ પહેલા દિવસથી જ રસોડું શરૂ કરી દીધેલું. અને આમ અહીંનું રસોડું સહુને માટે અત્યંત આશિર્વાદરૂપ બન્યું. બીજા રાજ્યોમાંથી આવતી ટીમો, આપણા સાથે જોડાયેલી ‘ રાઉન્ડ સ્કવેર નેટવર્ક ’ દ્વારા થયેલા પ્રાથમિક શાળાના મકાન બાંધકામ માટે આવેલાં ૩૦ બાળકો અને ૩ શિક્ષકો મળીને કુલ ૩૩ જેટલાને લગભગ ૧૫ દિવસ માટે આપણા શિબિર સ્થળે તેઓ રહયા અને આપણા ભોજનાલયમાં જમ્યા. આમ તામિલનાડુમાં આપણા ભોજનાલયે ઘણા બધાને માટે ‘ અન્નક્ષેત્રની ’ સેવા આપી. રેખાબહેન એના નાયક, બજારમાં શાકભાજી, કરિયાણું તેલ, અનાજ, દાળ વગેરે ખરીદવાનું હોય ત્યારે હિન્દી – અંગ્રેજી ભાષા સાથે સંકેત કરીને – વસ્તુ બતાવીને કામ ચલાવે. એટલું ખરું કે થોડી તકલીફ પડી હશે પણ ભાષા ન આવડવાને લીધે કોઈ જ કામ અટકયું નથી. કયામતનો દિવસ દરિયાનાં મોજાં પર સવાર થઈને આવ્યો એ કાંઠે રહેનારાને માટે આવ્યો હતો. સીરકાળીથી કાંઠો લગભગ ૧૩ કિ.મી દુર આવેલો છે. એટલે થયું એવું કે કાંઠા ઉપર આવેલા ભયંકર પ્રલય ની કશીજ અસર સીરકાળીને ન થઈ. અહીંનું જનજીવન રોજીંદા દિવસની જેમ ચાલતું જ હતું. બધું પાણી ઓસરી ગયા પછી એકાદ કલાક પછી જ વહેવટીતંત્રને સાધારણ માહિતી મળી. સીરકાળી તાલુકા મથક છે.